adhavach gadu gunchi gayu - Pad | RekhtaGujarati

અધવચ ગાડું ગૂંચી ગયું

adhavach gadu gunchi gayu

કેશવલાલ હરિરામ ભટ્ટ કેશવલાલ હરિરામ ભટ્ટ
અધવચ ગાડું ગૂંચી ગયું
કેશવલાલ હરિરામ ભટ્ટ

જાવું છે દૂર ઝાઝું રે, ગાડું અહીં ગૂંચી ગયું;

પરમેશ્વર પાર ઉતારોરે, અધવચ શું થયું?

હાંકનાર હરજૂડ બન્યો ને, બેલ રહ્યા નહિ હાથ;

ચૂક્યા દિશ જાવાની ચમકી, રઝળ્યો સઘળો સાથ;

કોણ કહો અટકાવેરે, આખર આવી રહ્યું. જાવું...

હાય ભયાનક જંગલ મોટું, ભારે પંક ભરેલ;

વાઘ વરુ ને વાનર ઝાઝા, એમાં કૈંક પમરેલ;

ચોગમ ચોર ફરે છે રે, કાંઈ નહિ જાય કહ્યું. જાવું...

રાત રહી અંધારી ભારે, કંટક ભાગે પાય;

વરસે મેઘ વીજળી ચમકે, થર થર કંપે કાય;

ભૂતાવળ ને ભડક રે, હડબડ થાય હૈયું. જાવું...

ગારામાં ગૂચ્યાં બે પૈડાં, તૂટ્યાં જોતર રાશ;

બેલ કડેડી હેઠા બેઠા; કોટિ કરાવે કાશ;

આમાંથી ઊગરવારે, કરવું કામ કયું? જાવું...

ગાડું ગૂંચે હું ગૂંચાયો; કોય સહાય પાસ;

વિશ્વેશ્વર વગદાં વીણીને, નટવર થાઉં નિરાશ;

કેશવ હરિ શું સૂતારે, પ્રભુપદ જાય વહ્યું. જાવું...

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 148)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ