aavo jhuldi paheravu - Pad | RekhtaGujarati

આવો, ઝૂલડી પહેરાવું,

aavo jhuldi paheravu

ભાલણ ભાલણ
આવો, ઝૂલડી પહેરાવું,
ભાલણ

બાર બાર બલિ જાઉં, લાલાને ઝૂલડી પહેરાવું. (ટેક)

કરમાં લીધી ઝૂલડી, ને પાડે કૌશલ્યા શોર:

રમો રમો રંગમોહોલમાં, હું આપું કનકના મોર.

ઉષ્ણકાળનો ઉન્હો વાયુ કરમાય કોમળ અંગ;

પાયે પહેરાવું મોજડી, પછી રમો સખાને સંગ.

કશ્યપસુત તો કઠણ તપે છે, જક્તને લાગે જ્વાળ;

વિષધર સરખા વિકળ થયા, તવ કોમળ કાયા બાળ.

ગુઝે ઘાલું સુખડી ખાંતે, મેવા લ્યો મોં-માગ્યા;

ભૂમંડળના ભૂપતિ કહેશે, ન્હાના નરપતિ નાગા!

કૌશલ્યાએ કર ગ્રહીને પહેરાવી બે બાંહ્ય;

કસકસી કૌસ્તુભમણિ સરખી, જેમ ભૂલે ક્યાંય.

ઝળકતી શી ઝૂલડી પહેરાવી, માતા કરે ચુંબન;

ભાલણ-પ્રભુ રઘુનાથ મારાને સોંપું તન-મન-ધન.

સ્રોત

  • પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
  • પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
  • વર્ષ : 2002