આતમાને ઓળખ્યા વિના રે
aatmaane olkhyaa vinaa re
મીરાંબાઈ
Meerabai

આતમાને ઓળખ્યા વિના રે, લખ ચોરાશી નહીં તો મટે રે જી
ભ્રમણાને ભાંગ્યા વિના રે, હે જી ભવના ફેરા નહીં રે ટળે રે જી
- એવા આતમાને ઓળખ્યા વિના રે૦
કોયલ ને કાગ રે, રંગે રૂપે એક છે હો જી
ઈ તો એની બોલી થકી ઓળખાય રે...
- એવા આતમાને ઓળખ્યા વિના રે૦
હંસલો ને બગલો રે, રંગે રૂપે એક છે હો જી
ઈ તો એના ચારા થકી ઓળખાય રે...
- એવા આતમાને ઓળખ્યા વિના રે૦
સતી ને ગુણકા રે, રંગે રૂપે એક છે હો જી
સતી રાણી સેવા થકી ઓળખાય રે...
- એવા આતમાને ઓળખ્યા વિના રે૦
ગુરુના પરતાપે રે, ‘બાઈ મીરાં’ બોલિયાં હો જી
દેજો અમને સંત ચરણમાં વાસ રે...
- એવા આતમાને ઓળખ્યા વિના રે૦



સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 129)
- સંપાદક : ડૉ. નિરંજન રાજ્યગુરુ
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 2010