આતમ વશ કરી લીધો
aatam vash karii lidho
રતનબાઈ - ૨
Ratanbai - 2

આતમ વશ કરી લીધો
ગુરુજ્ઞાન થકી આતમ વશ કરી લીધો
પાંચ-પચીસને હાંકી રે કાઢવા
ચેતનનો કિલ્લો મેં તો કીધો
ગુરુજ્ઞાન થકી...
અહંકાર અળગો કીધો, ક્રોધને કાઢી નાખ્યો
ગમતો પ્યાલો મેં તો પીધો
ગુરુજ્ઞાન થકી...
આલિમ પંડિત બધા મોટાઈમાં પડિયા
ભાઈ, ભૂલ્યા છે મારગ સીધો
ગુરુજ્ઞાન થકી...
ઈલમ પઢે ને રહેણી ઉપર ના ચાલે
ભાઈ, માલિકથી જરીએ નહીં બીધો
ગુરુજ્ઞાન થકી...
કહે ‘રતનબાઈ’ સાંભળો ભાઈઓ તમે
શબ્દ મુરશદે એવો દીધો
ગુરુજ્ઞાન થકી...



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 79)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009