આંબો અમર છે રે સંતો
aambo amar chhe santo
મોરાર સાહેબ
Morar Saheb

આંબો અમર છે રે સંતો!
કોક ભોમને ભાવે રે
આંબો અમર છે રે સંતો!
ધરતી તપાસી ધરા ખેડાવો, કામનાં કૂંડાં કાઢો,
નિજનામનાં બીજ મંગાવી, વિગતેથી વવરાવો રે.
હો સંતો આંબો અમર છે રે...
અકળ ધરાથી ઘડો મંગાવી, હેતની હેલ્યું ભરાવો,
નૂરત-સૂરત દો ખડી પનિહારી, પ્રેમ કરીને પીવરાવો.
હો સંતો આંબો અમર છે રે...
કાચા મોર તો ખરી જાશે, ફૂલ ફળ પછી આવે,
હુકમદાર બંદા હાલે હજૂરમાં, ખરી નીત સે ખાવે.
હો સંતો આંબો અમર છે રે...
કાચાં ભડદાં કામ નૈં આવે, જીરાવ્યા કેમ જીરવાશે?
ત્રણ ગુણનો ટોયો રખાવી, જાળવો તો જળવાશે.
હો સંતો આંબો અમર છે રે...
ધ્યાન ધરીને ધરા તપાસી, ભાણસાહેબ છે ભેળા,
દાસ 'મોરાર'ને રવિગુરુ મળિયા, જેણે વરતી લીધી વેળા.
હો સંતો આંબો અમર છે...



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 75)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009