આજ રૂડો દહાડો
aaj rudo dahado
ભાલણ
Bhalan
ભાલણ
Bhalan
આજ રૂડો દહાડો, રંગીલા રામે લીધો આડો. ટેક.
આડો કરે છે અતિ ઘણો, ને પછાડે બે પાગ;
આકાશને ઉતરડી જનની, આદિત મુજને આપ.
દિનકરથી આ દેહ તમારો, મહા મોહોટો સંબંધ;
સમજાવ્યો સમજે નહિ, અર્ભક વસમાં કરતો ધંધ.
દશરથ દહાડી દુઃખ ધરતા, જે બાળ વિના બલ્યું રાજ;
આજ તો ભૂપતિ અતિ અકળાણા, માતા આવ્યાં વાજ.
હિરલા કેરી ગુંથી ઉઢાણી, મણિ મુકતા ચોપાસ;
કૌશલ્યાએ કરમાં આલી, હરિને આવ્યું હાસ.
આડો જોવા આદિત થંભ્યા, વિસ્મે પામ્યા સુર;
ભાલણ પ્રભુ રઘુનાથ ભરાણા, બ્રહ્માંડે ભરપુર.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- વર્ષ : 1928
