આજ આનંદ મારા અંગમાં ઊપજ્યો
aaj aanand mara ang ma upajyo
અખો
Akho
અખો
Akho
આજ આનંદ મારા અંગમાં ઊપજ્યો, પરિબ્રહ્મની મુંને ભાળ લાધી;
ગુંગાની સાનમાં સામો સમજે નહિ, અદબદ મૂઠડી રહી રે બાંધી.
કોઈ તીરથ અડસઠ કરે, દેવ દેરાં ફરે, ખટ મારગમાં રે જોગ સાધી;
તે રે વહાલો મુજ પાસથી પ્રગટિયો, સદ્ગુરુ શબ્દની ચોટ લાગી.
કોઈ કહે જીવ છે, કોઈ કહે શિવ છે, થાપ ઉથાપમાં કોઈ ન સીધ્યો;
આપ તે આપનો અમીરસ ઘૂંટવા શિવ તે જીવનો વેશ લીધો.
હાથથી નાખીને દૂર લેવા ગયો, જાણે શું વસ્તુ નવ હોય આઘી;
આવી અજ્ઞાનની આડ ઊભો રહ્યો, તારે માટે તું તો જોને જાગી.
હું ટળ્યો, તું ઠર્યો, કરતાર કરુણા કરી, સુખદુઃખ વૃક્ષની મૂળ દાઝી,
સુપન સમાઈ ગયું, જ્યમ હતું ત્યમ થયું, અખે નિજપદ લહ્યું સુખની ગાદી.
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 43)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
