aadya tun, madhya tun, antya tun shriihari - Pad | RekhtaGujarati

આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું, શ્રીહરિ

aadya tun, madhya tun, antya tun shriihari

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું, શ્રીહરિ
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું, શ્રીહરિ! એક તું એક તું એક પોતે;

અખિલચો બ્રહ્મ બ્રહ્માદિક નવ લહે, ભૂરચાં માનવી અન્ય ગોતે. આ૦

રવિ-શશી કોટિ મુખચંદ્રિકામાં વસે, દૃષ્ટિ પહોંચે નહીં ખોજે-ખોળે;

અર્ક-ઉદ્યોત જ્યમ તિમિર ભાસે નહીં, ‘નેતિ નેતિ' કરી નિગમ બોલે. આ૦

કોટિ બ્રહ્માંડના ઈશ ધરણીધરા, કોટિ બ્રહ્માંડ એક રોમ જેનું;

મર્મ સમજ્યા વિના ભર્મ ભાગે નહીં, સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું. આ૦

નથી એકલો : વિશ્વ થકી વેગળો, સર્વવ્યાપિક છે શક્તિ જેની;

અખિલ અનાદિ આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ તેની. આ૦

વેદની વાતનો ભેદ કો નવ લહે, તેહનું હાર્દ તે કોક જાણે;

શુક-સનકાદિક, દેવમુનિ નારદ પૂરણ બ્રહ્મને ધ્યાને આણે. આ૦

પૂરણ પુરુષોત્તમ પ્રેમદા-શું-રમે, ભામિનીએ ભાવ-શું અંક લીધો;

જે રસ વ્રજ તણી નાર વિલસે સદા, સખીરૂપે તેહ નરસૈંયે પીધો. આ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994