shan shan roop wakhanun? - Pad | RekhtaGujarati

શાં શાં રૂપ વખાણું?

shan shan roop wakhanun?

અખો અખો
શાં શાં રૂપ વખાણું?
અખો

શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?

ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.

નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે,

ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.

નૂરત-સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,

ઝળહળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મેાહ્યું.

વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું,

ત્યાં હંસા રાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું.

માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે,

તેને તીરે વસે નાગણી, જાળવજે, નહીં તેા ખાશે.

ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,

‘અખો’ આનંદશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાંગી.

સ્રોત

  • પુસ્તક : ભજનરસ (પૃષ્ઠ ક્રમાંક 176)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1987