samjan wina re sukh nahin - Pad | RekhtaGujarati

સમજણ વિના રે સુખ નહીં

samjan wina re sukh nahin

અખો અખો
સમજણ વિના રે સુખ નહીં
અખો

સમજણ વિના રે સુખ નહીં જંતને, વસ્તુગતિ કેમ કરી ઓળખાય?

આપમાં વસે છે રે આપનો આત્મા રે, તેણે કાંઈ જીવપણું જાય… સમજણ૦

રવિ રવિ કરતાં રે રજની નહિ મટે રે, અંધારું તો ઊગ્યા પૂંઠે જાય,

હૃદે રવિ ઊગે રે નિજ ગુરુ જ્ઞાનને રે, થનાર હોય તે સહેજે થાય... સમજણ૦

જળ જળ કરતાં રે તૃષ્ણા ટળે રે, ભોજન કહેતાં ભાગે ભૂખ,

પ્રેમરસ પીતાં રે તૃષ્ણા તુરત ટળે રે, એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ... સમજણ૦

પારસમણિ વિના રે જે પથરા મળે રે, તેણે કાંઈ કાંચન લોહ થાય,

સમજણ વિના રે જે સાધન કરે રે, તેણે કાંઈ જીવપણું નવ જાય... સમજણ૦

દસ મણ અગ્નિ રે લખીએ કાગળે ર, એણે લઈ રૂમાં જો અલપાય,

એની અગ્નિથી રૂ નથી દાઝતું રે, રતિ એક સાચે પ્રલય થાય... સમજણ૦

જીવપણું મટે રે અનહદ ચિંતવ્યે રે, તો વાણી રહિત છે રે વિચાર,

જે જે નર સમજ્યા રે તે તો ત્યાં શમ્યા રે, કહે ‘અખો’ ઊતર્યો પેલે પાર... સમજણ૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ’ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય અમદાવાદ
  • વર્ષ : 1946