
જી રે રાણી! શુદ્ધ સ્વરૂપમાં જેનું લક્ષ લાગ્યું જી હો જી,
તેને કેવળ પદ દૃષ્ટિએ આવે રે હાં!
જી રે રાણી! તત્ પદ ત્વં પદ મેલી કરીને જી હો જી,
એ તો અસિ પદમાં સુરતા સમાવે રે હાં!
જી રે રાણી! ધ્યાતા-ધ્યાન-ધ્યેયની ત્રિપુટી જ્યાં ન મળે જી હો જી,
તે તો અખંડ ધ્યાની કહાવે રે હાં!
જી રે રાણી! જીવ-ઈશ્વરની જે ભ્રાંતિને ભાંગે જી હો જી,
તેને લોક પરલોક નજરે ના’વે રે હાં!
જી રે રાણી! અસલ યોગની જેણે જુક્તિને જાણી જી હો જી,
એને સાક્ષાત્કાર બની આવે રે હાં!
જી રે રાણી! પરા, પશ્યંતી, મધ્યમા ને વૈખરી વાણી જી હો જી,
એ ચારેથી જુદો કહાવે રે હાં!
જી રે રાણી! સ્થૂલ, સૂક્ષ્મ કારણ-મહાકારણ સમાવે જી હો જી,
એક આત્મા અભેદ નજરે આવે રે હાં!
જી રે રાણી! અખંડ સુખમાં અલમસ્ત ફરે છે જી હો જી,
ત્યાં દ્વૈતપણું અંતર નવ આવે રે હાં!
જી રે રાણી! શેલર્ષીની ચેલી સતી ‘લોયણ’ બોલ્યાં જી હો જી,
એ તો વ્યાપમાં આપ સમાવે રે હાં!



સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ’ (પૃષ્ઠ ક્રમાંક 308)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1946
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ