chete to chetvun tane - Pad | RekhtaGujarati

ચેતે તો ચેતાવું તને

chete to chetvun tane

દલપતરામ દલપતરામ
ચેતે તો ચેતાવું તને
દલપતરામ

ચેતે તો ચેતાવું તને રે, પામર પ્રાણી? (ટેક)

સજી ઘરબાર સારું, મિથ્યા કહે મારું મારું;

તેમાં નથી કાંઈ તારું રે, પામર પ્રાણી! ચેતે તો0

તારે હાથે વપરાશે, તેટલું તારું થાશે;

બીજું તો બીજાને જાશે રે, પામર પ્રાણી! ચેતે તો0

માખીઓએ મધ કીધું, ખાધું ખાવા દીધું;

લૂંટનારે લૂંટી લીધું રે, પામર પ્રાણી! ચેતે તો0

ખંખેરીને હાથ ખાલી, ઓચિંતાનું જાવું ચાલી;

કરી માથાકૂટ ઠાલી રે, પામર પ્રાણી! ચેતે તો0

શાહુકારીમાં સવાયો, લખોપતિ તું લેખાયો;

કહે સાચું શુ કમાયો રે? પામર પ્રાણી! ચેતે તો0

આવે તારે સાથે એવો, કમાયો તું માલ કેવો?

અવેજ તપાસ તેવો રે, પામર પ્રાણી! ચેતે તો0

દેવે નરતન દીધી, તેં તો કિંમત કીધી;

મણિ સાટે મેશ લીધી રે, પામર પ્રાણી! ચેતે તો0

ખોળામાંથી ધન ખોયું, ધૂળથી કપાળ ધોયું;

જાણપણ તારું જોયું રે, પામર પ્રાણી! ચેતે તો0

હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી;

તારી મૂડી કર તાજી રે, પામર પ્રાણી! ચેતે તો0

હાથમાંથી બાજી જાશે, પછીથી પસ્તાવો થાશે;

કશું કરી શકાશે રે, પામર પ્રાણી! ચેતે તો0

મનનો વિચાર તારો, મનમાં રહી જનારો;

વળતી આવે વારો રે, પામર પ્રાણી! ચેતે તો0

નીસર્યો શરીર થકી, પછી તું માલેક નથી;

દલપતે કીધું કથી રે, પામર પ્રાણી! ચેતે તો0

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાનો અમર વારસો (પૃષ્ઠ ક્રમાંક 44)
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1964