aa sho chaturana chittno chalo re! - Pad | RekhtaGujarati

આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે!

aa sho chaturana chittno chalo re!

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે!
નરસિંહ મહેતા

આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે! એને કોઈ નિહાળો રે. ટેક

બ્રહ્માએ નથી ઘડી ભામિની, એ તો આપે બનીને આવી રે;

ત્રણ લોકમાં નહિ રે તારુણી, આવડું રૂપ કયાંથી લાવી રે ? આ૦ ૧

દર્શન કરતાં દુખડાં ભાજે, સ્પર્શે પાતિક જાયે રે;

એ નારીની જાતને જાણે તેને આવાગમન નહિ થાયે રે. આ૦ ર

ઘડ્યું ઘરેણું એને રે હાથે, હાથે ભરી છે ચોળી રે;

સાળુડે ભાત નારીકુંજરની, કસુંબાના રંગમાં બોળી રે. આ૦ ૩

એને ગાને ગુણી ગાંધ્રવ મોહ્યા, તાંડવ નૃત્યને જાણે રે;

જળની ઝારી જુગતે ઝાલી મારા મંદિરિયામાં માણે રે. આ૦ ૪

કહીએ છીએ પણ કહ્યું ન માને, એ નારી નહીં, ગિરિધારી રે;

બ્રહ્મા, ઈંદ્ર, શેષ, શારદા એનાં ચરણ તણાં અધિકારી રે. આ૦ પ

વાસ કરે વૃંદાવન માંહે, હમણાં ગોકુલથી આવે રે;

નરસૈયાના સ્વામીને જોજો, એ તો નયણાંમાં નેહ જણાવે રે. આ૦ ૬

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997