આ રે કાયાનો હીંડોળો રચિયો
aa re kaayaano hindolo rachiyo
રૂપાંદે
Rupande

આ રે કાયાનો હીંડોળો રચિયો
જગમજગી ઝોલા ખાય રે, માયલા ચેતી ચાલો...
ચેતીને ચાલશો તો પાર લાગી જાશો
આ ભવસાગરની માંય રે, માયલા ચેતી ચાલો...
કાયાવાડીનો કિલ્લો લૂંટાશે
આંખ ફરક્યે જાય રે, માયલા ચેતી ચાલો...
કાયાવાડીની હુઈ ગઈ તૈયારી
શુકન કરમાયા ભાઈ રે, માયલા ચેતી ચાલો...
બાલપણ બચપણમાં ખોયો
ભર જોબનની માંહ્ય રે, માયલા ચેતી ચાલો...
બુઢ્ઢો થિયો ત્યારે માળા પકડી
શી ગત થાય જીવ તારી રે, માયલા ચેતી ચાલો...
આ રે મારગડે અનેક નર સિધ્યા
તોળી રાણી સાધ કે'વાણાં રે, માયલા ચેતી ચાલો...
ગુરુ પ્રતાપે ‘રૂપાંદે' બોલ્યાં
માલદેને વિનંતી સુનાઈ રે, માયલા ચેતી ચાલો...



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 82)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009