warta - Nazms | RekhtaGujarati

–ને ફરી વૈતાળ માંડે વારતા;

ઝાંઝવાના એક ઝબકતા દેશમાં;

રેત જ્યાં બળતી હતી જળવેશમાં

બાવળો પગલાંના ધણને ચારતા.

પાળિયાઓ ખંડણી ઉઘરાવતા

શુષ્ક સરવર પીઠ ફેરવતાં હતાં,

ને કિરણના ચાબખા પડતા હતા,

થોર બે હાથો મહીં મોં ઢાંકતા.

અંગ મરડે કૈં ખજૂરી થાકતાં,

ખોરડે પગલાંનું ધણ પાછું ફરે,

સાંધ્ય હેઠે રાતના આંચળ ઝરે,

ફાનસો અંધાર પીળો બાળતાં,

છેવટે વૈતાળ પૂછે હાંફતાં :

શૂન્યતાનું નગર છે કઈ તરફ?

પટ્ટ દઈ વિક્રમ કહે: ચારે તરફ

..............

..............,

..............,

..............,

–ને ફરી વૈતાળ માંડે વારતા.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 160)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981