Chheli safar - Nazms | RekhtaGujarati

છેલ્લી સફર

Chheli safar

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
છેલ્લી સફર
સૈફ પાલનપુરી

કેવી ભરચક છે આજ વેરાની

એકલો હું ઉદાસ બેઠો છું,

જિંદગીનો છે આખરી દિવસ

મોતની આસપાસ બેઠો છું.

જ્યાં પ્રવેશી જતા’તાં સ્વપ્નાઓ

બધાં દ્વાર બંધ થઈ જાશે,

કેવો વિશ્વાસ છે કે હૈયાના

આજ ધબકાર બંધ થઈ જાશે.

જિંદગીના અનુભવો કે’ છે

જિંદગાની તો ખૂબ છાની છે,

જેઓ પહોંચે છે મોતને કાંઠે

જગનાં મહાન જ્ઞાની છે.

કોણ જાણે હવે જવાનું ક્યાં?

કોણ જામે હવે સફર કેવી?

મોત વિશે જો સાંભળ્યું નથી

તો પછી દોસ્તો ફિકર કેવી?

કોઈ ઠપકો મળ્યો છે મૃત્યુને?

એની થઈ છે શું કોઈ બદબોઈ?

કેવાં જબ્બર છે એનાં આકર્ષણ

ત્યાંથી પાછું ફર્યું નથી કોઈ!

યાદ કરવાનો સારો અવસર છે

પણ વિચારું છું કોને યાદ કરું?

બહુ ગણતરીના શ્વાસ છે પાસે

કોનાં-કોનાં કદમમાં જઈને ધરું?

જે જે વસ્તુના ખાસ અર્થ હતા

બધાએ અનર્થ લાગે છે,

જગની સામે હતી જે ફરિયાદો

બધી આજે વ્યર્થ લાગે છે.

જે હતા તે હતા દિલાસાઓ

માનવી પાસ કંઈ હતું નહીં,

આજે સમજાયું સ્પષ્ટ રીતે કે

જિંદગી પાસ કંઈ હતું નહીં.

પણ તમારી જુદી છે વાત જરા

લાવજો ના તમે કશું મનમાં,

પ્રીતની વાત સાવ નોખી છે

એને ગણતો નથી હું જીવનમાં.

સાચું પૂછો તો આપ પોતે પણ

ક્યારે શામેલ જિંદગીમાં રહ્યાં?

આંખની રાહે મન સુધી આવ્યા

ને પછી માત્ર લાગણીમાં રહ્યાં.

જિંદગી જાઉં છું મૂકી કિંતુ

પ્રીત સંગાથે હર સમય રહેશે,

મોત, સાથેની સર્વ ચર્ચામાં

આપણા પ્રેમનો વિષય રહેશે.

સ્રોત

  • પુસ્તક : ઝુમ્મર (પૃષ્ઠ ક્રમાંક 233)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2010