hun lawwani chhun phulo nawinwainan - Nazms | RekhtaGujarati

હું લાવવાની છું ફૂલો નવીનવાઈનાં

hun lawwani chhun phulo nawinwainan

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
હું લાવવાની છું ફૂલો નવીનવાઈનાં
ઉદયન ઠક્કર

‘હું લાવવાની છું ફૂલો નવીનવાઈનાં,’

વચન તેં આપ્યું, પછી રાહ જોઈ બેઠો છું

ગુલાબનાં હશે? જૂઈનાં કે જાઈનાં

ખબર કશીય નથી, રાહ જોઈ બેઠો છું

કદાચ રાતની રાણી નહીં... ને તું આવે

અને હું બે’ક પળો તો વિચારતો રહું

સિતારા દૂર છે, તો મ્હેક કોણ ફેલાવે?

છુપાવી લાવી છે એવું તે શું હથેળીમાં?

હું નામ એક પછી એક પૂછતો જાઉં,

હસીને ચાંદ બતાવી દે તું, હથેળીમાં!

ઈસુના સાતમા સૈકાની ડાબી બાજુએ

નિરાંત નામનું વિસરાયલું સરોવર છે

છકેલી ચાંદની ક્યારેક, યાદ આવે છે?

ને પેલી પોયણી, ક્યારેક યાદ આવે છે?

- તું એને નહિ લાવે?

તારું કાંઈ કહેવાય, સાથે લઈ આવે

તું પેલું ફૂલ, જે પેલે દહાડે ઊગેલું

ના રે ના, નહિ, તો બીજું, તો પેલું

ને એની ડાંડલીએ હોય, પેલો તડકો પણ

અપારદર્શી અબોલાને દરમિયાન કરી,

ઝૂકી-ઝૂકી શી નજરમાં નજરને મ્યાન કરી,

તું ખોબલામાં કશું આપી જાય હળવેથી,

શુંનું શું એમાં હશે? ના કળાય, હળવેથી

હું જોઈ લઉં, તો અરે! ઝીણાં ઝીણાં ફૂલ મળે

જે શ્વાસ લેતાં હશે, આની આગલી પળે...

કહું તો કોને કહું, ફૂલ શું વિતાડે છે

બચું સુવાસથી તો રંગથી દઝાડે છે

કશેક મારી સમજવામાં ભૂલ છે કે શું?

લઈ તું આવી એ... આખરનાં ફૂલ છે કે શું?

સ્રોત

  • પુસ્તક : સેલ્લારા (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સર્જક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન પ્રા. લિ.
  • વર્ષ : 2003