thelo - Nazms | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો
કદી એમ થાતું કે થેલો લઈને જે ભટકી રહ્યા છે એ માણસને રોકીને પૂછી લઉં કે આ ક્યાં જઈ રહ્યા છો ને ક્યાં પહોંચવું છે, કયા ભવથી દોડી રહ્યા છો એ બોલો, આ થેલો ઉતારો ભરો શ્વાસ ઊંડો અને એ વિચારો કે ક્યાં લગ આ થેલો લઈ દોડવું છે, એવું તો તમારું શું છૂટી ગયું છે? વળી એવા કેવા અભાવોમાં છો કે તમે એવાં રસ્તેય દોડી રહ્યાં છો કે વર્ષો વર્ષથી બધાને એની જાણ છે કે આ રસ્તો નથી પહોંચતો ક્યાંય પણ ને વળી તોય આખું જગત દોડે છે આ જ રસ્તે!

પછી એમ થાતું હું શું કામ પૂછું? હું ક્યાં કોઈ એવો ગુરુ છું કે જે આ જમાનાને રસ્તો બતાવી શકે છે? હું પોતે જ દોડી રહ્યો છું એ રસ્તે ફકત એ ફરક છે મને જાણ છે કે હું જે રાહ પર છું એવી રાહ પરથી બધાય મુસાફર પરત આવી જાતાં ફરી દોડતાં એ શરૂઆતથી ને તોય પણ ન પહોંચી શકાતું કોઈથી! મને જાણ એની નથી કે અહીંયા મને કેટલી વાર ફેરા થયાં છે ફકત એ જ કારણથી મેં આ વખત તો ઉતારી દીધો છે ખભેથી આ થેલો!

હવે ચાલવું છે પરંતુ કશે પણ પહોંચવું નથી બસ હવે એ જ સમજીને ચાલી રહ્યા છે કે આ ચાલવું તો ફરજ છે અમારી બીજે તો ક્યાં વપરાશ થાશે ચરણનો અને એ જ કારણ હશે કે પ્રભુએ દઈને ચરણ આ ફરી મોકલ્યાં છે...!

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ