તારી સ્મૃતિ
tari smruti
અનંતરાય ઠક્કર 'શાહબાઝ'
Anantrai Thakkar 'Shahbaz'
પાનખર ઘેરી ઊડી ગઈ ક્યાં? અને ક્યારે વસંત આવી રહી?
વૃદ્ધ દુનિયા થઈ યુવા ક્યારે અને સૌન્દર્ય પ્રકટાવી રહી?
શું ફરી તારા વદનને આજ જૂની યાદ શરમાવી રહી?
ને શું એ લાલી વદનની પુષ્પદળને આમ ભરમાવી રહી?
વૃક્ષના સુસવાટમાં કાં આજ પગરવ એ જ સંભળાયા કરે?
એ જ ગીતોની સુરાવટ કેમ પાછી કાનમાં ગુંજ્યા કરે?
એ જ જ્યોતિ આજ પાછી આંખ સામે આવી કાં નાચ્યા કરે?
કયા બળેથી એ જ માર્ગે આજ પગલાં શીઘ્ર મંડાયાં કરે?
કાં હવામાં એ દિશેથી એ જ સૌરભ આવીને ઊડ્યા કરે?
શુક્રતારા આજ મુજ પર હાસ્યભીનાં તેજ કાં વેર્યા કરે?
કાળચક્રે આજ પોતાની ગતિ સહસા ફરી અવળી કરી?
કે પછી આયુષ્યના વીત્યા સમયની હસ્તી શું પાછી ફરી?
કે પછી કો સ્વપ્ન દેશે કો છુપાયેલી સ્મૃતિ ચિત્રે ઠરી?
કે સ્મૃતિ ઊછળી રહીને સ્વપ્નચિત્રો ગૂંથવાને વિચરી?
તું નહીં તારી સ્મૃતિ આજે મને વીંટી વળી ગાયા કરે.
સ્રોત
- પુસ્તક : ઝુમ્મર (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2010