સૈફ પાલનપુરી
Saif Palanpuri
શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી,
મેં એક શાહજાદી જોઈ હતી.
એના હાથની મ્હેંદી હસતી’તી
એની આંખનું કાજલ હસતું’તું;
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઈ વિકસતું’તું.
એના સ્મિતમાં સો સો ગીત હતાં
એની ચુપકીદી સંગીત હતી;
એને પડછાયાની હતી લગન
એને પગરવ સાથે પ્રીત હતી.
એણે યાદના આસોપાલવથી
એક સ્વપ્ન-મહેલ શણગાર્યો’તો;
જરા નજરને નીચી રાખીને
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજા જેમ ઉછળતી’તી;
ને પવનની જેમ લેહરાતી’તી
કોઈ હસીને સામે આવે તો
બહુ પ્યાર ભર્યું શરમાતી’તી.
એને યૌવનની આશિષ હતી
એની સર્વ બલાઓ દૂર હતી;
એના પ્રેમમાં ભાગીદાર થવા
ખુદ કુદરત પણ આતુર હતી.
વર્ષો બાદ ફરીથી આજે જ ઝરૂખો જોયો છે
ત્યાં ગીત નથી-સંગીત નથી-ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાંઓના મહેલ નથી-ને ઊર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે
બહુ વસમું વસમું લાગે છે.
એ નો’તી મારી પ્રેમિકા કે નો’તી મારી દુલ્હન
મેં તો એને માત્ર ઝરૂખે વાટ નીરખતી જોઈ હતી.
કોણ હતી એ-નામ હતું શું? એ પણ હું ક્યાં જાણું છું,
તેમ છતાંય દિલને આજે વસમું વસમું લાગે છે.
બહુ સૂનું સૂનું લાગે છે.
લાગે છે એવું કે જાણે હું પોતે લૂંટાઈ ગયો.
ખુદ મારું ઘર બરબાદ થયું.
સ્રોત
- પુસ્તક : ઝરૂખો (પૃષ્ઠ ક્રમાંક 53)
- સર્જક : સૈફ પાલનપુરી
- પ્રકાશક : સુમન પ્રકાશન
- વર્ષ : 1984
- આવૃત્તિ : 3
