ghar - Nazms | RekhtaGujarati

રોજ સવારે આંગણથી આરંભાતો

ને રોજ સાંજના ત્યાં સમેટાઈ રહેતો:

મારગ. ત્યાં હું ગતિ કરું કે સ્વયમ્

કે છળી બેઉને રહે કાળ પોતે વહેતો.

હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકુ

કેવા છલકાતા હૈતે સામો ધસતો,

મલક મલક મલકાય મકાનો બેઉ તરફ,

પવન પલક વીંટળાય, પલક આઘો ખસતો.

પાલખ પર ઘૂ ઘૂ કરતાં બે પારેવાં

મુજ પદરવથી શરમાઈ ફરી વાતે વળગ્યાં;

પૂર્વગગનથી કિરણ કિરણની ધૂપસળી

અડકી તો રૂના પોલ સમાં વાદળ સળગ્યાં.

ઝાલી માતાનો કર જે ગગન નીરખતો'તો

મન થતું, જરા બાળક સંગે ગેલ કરું;

એકમેકથી રીસ કરી અળગા ચાલે,

બે માણસમાં એક ગીત ગાઈ મનમેળ કરું.

નેત્ર ઉદાસી ભરી અહીં બે વૃદ્ધ ઊભા,

હું અશ્રુ બે'ક સારી એને સાંત્વન આપું:

ઉન્મન ને સુંદર યુવતીની આંખોને

તરસે છે, તલખે છે એવું મન આપું.

ભીડભર્યા કોલાહલમાં નીરવ રીતે

કોઈ મિત્ર તણો હૂંફાળો કર થઈ જીવી શકું;

તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા

પરવા કોને, હું થીર રહું કે વહી શકું.

જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે

માર્ગ પછીની મંજિલ મારું ઘર છે;

ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું

માર્ગ પછીની મજિલ પણ મારું ઘર છે.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989