mrutyu - Nazms | RekhtaGujarati

મ્હેકમાં મ્હેક મળી જાય, તો મૃત્યુ કહો,

તેજમાં તેજ ભળી જાય, તો મૃત્યુ કહો,

રાહ જુદો જો ફંટાય, તો મૃત્યુ કહો,

શ્વાસની લીલા સમેટાય, તો મૃત્યુ કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને,

એક મંઝિલની લગન આંખે ઊતરવા દઈને,

ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,

‘આવજો’ કહીને કોઈ જાય, તો મૃત્યુ કહો.

જે નરી આંખે જણાયાં તત્ત્વો કળવા,

જે અગોચર છે અસ્તિત્વને હરદમ મળવા,

દૂર દુનિયાનાં રહસ્યોનો તાગ મેળવવા,

દૃષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,

ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,

દિલના વિસ્તારી દુનિયાઓમાં વસવા માટે,

કોઈ મહેફિલથી ઊઠી જાય, તો મૃત્યુ કહો.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : (બીજી આવૃત્તિ)