milanni jhankhna - Nazms | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અનાદિ મય થકી પીધું હતું મેં આચમન તારું,

અને જામમાં દીઠું હતું પહેલું વદન તારું,

અને સુરલોકથી જોયું હતું મેં આમ્રવન તારું,

કર્યું મારું વતન આવી અહીં, જ્યાં છે વતન તારું,

અને શોધી રહ્યો છું હું ઘૂમી રહીને સુમન તારું.

પરિમલ કેશગુચ્છોનો હવા પર તું ઉડાવે છે,

અને પયગામ ઘેરા ઇશ્કના મુજને કહાવે છે,

વળી સ્વપ્નોમહીં આવી મને શબભર સતાવે છે,

રહીને દૂર તું ઇસરાજ કંકણનો સુણાવે છે,

હૃદય માની રહ્યું નક્કી થવાનું આગમન તારું.

કદાપિ આંખ મારી આંખથી પૂરી મિલાવી જો,

અને પ્રતિબિમ્બ તારું અશ્રુધારામાં નિહાળી જો,

હૃદયના તારને મિજરાબથી છેડી બજાવી જો,

અને એકાંતની સૌ રાતને વાતો પુછાવી જો,

પછી જાણીશ કે કેવું સફળ છે સંવનન તારું.

કદમ મસ્જિદ થકી લથડીને મયખાને ગયાં ચાલી,

અને ગિરવી મૂકી તસ્બી ખરીદી મયભરી પ્યાલી,

અને ઉપદેશ સંભારી કરી આખીય મેં ખાલી,

અને સ્મરણે ચડાવી દિવ્ય તારા હોઠની લાલી,

કરું છું હું કપાળે જ્યાં લખ્યું સુરાયતન તારું?

અને સુરાયતનના પીરનું મુજને સમર્થન છે,

કહે : 'શાહબાઝ! પરદો અનોખો એક ચિલમન છે,

ને ખુદ તારી ખુદીનું એક બારીક સર્જન છે,

હટાવી લે તું એને - તે સર્જેલ બંધન છે,

કે ખુદ તુંથી વધુ માશૂક ઝંખે છે મિલન તારું.’

સ્રોત

  • પુસ્તક : પાલવકિનારી (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’
  • પ્રકાશક : યશવંત દોશી
  • વર્ષ : 1960