maph karje dhara! - Nazms | RekhtaGujarati

માફ કરજે ધરા!

maph karje dhara!

ગની દહીંવાલા ગની દહીંવાલા
માફ કરજે ધરા!
ગની દહીંવાલા

માફ કરજે ધરા! હું ગગનમાં હતો,

કલ્પનાના વૃથા ઊડ્ડયનમાં હતો;

માફ કરજે ધરા! હું ગગનમાં હતો.

જ્યારે તુજ દેહ પર વીજ તૂટી પડી,

મેં વિચાર્યું, હશે આજ દીપાવલી!

માવડી! આંખ તુજ અશ્રુથી તર હતી,

હું એ સમજ્યો કે વર્ષાની ઝરમર હતી.

લીન હું મેઘભીના પવનમાં હતો;

માફ કરજે ધરા! હું ગગનમાં હતો.

બંધુ મુજ કારમી ચીસ પાડી ઊઠ્યા,

હું એ સમજ્યો કે તેં ગીત ગાયાં નવાં;

કાળની ભૂખ જાગીને ભડકો થયો,

ઊકળ્યુ તારું અંતર ને લાવા વહ્યો.

ત્યારે હું ચંદ્રકેરા શયનમાં હતો;

માફ કરજે ધરા! હું ગગનમાં હતો.

જાગૃતિમાં જૂઠાં સ્વપ્ન જોયાં સદા,

ઋણ ના થઈ શકયું માત તારું અદા;

કલ્પનાને હકીકતથી ઉત્તમ ગણી,

સંઘર્યા પથ્થરો ખોયો પારસમણિ,

હું સિતારાઓની અંજુમનમાં હતો,

માફ કરજે ધરા! હું ગગનમાં હતો.

આભથી આજ પાછી ફરી છે નજર,

ચૂંબનો ધૂળને લૈ રહ્યાં છે અધર;

દૃષ્ટિ ઘૂમી રહી છે દીવાની બની,

સત્ય કહું છું, નથી કાલનો એ ‘ગની’—

જે ઉષા સુંદરીના નયનમાં હતો;

માફ કરજે ધરા! હું ગગનમાં હતો.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : જયંત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981