mane thatun— - Nazms | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મને થતું—

mane thatun—

ગની દહીંવાલા ગની દહીંવાલા
મને થતું—
ગની દહીંવાલા

મને થતું: ઢળી પડીશ હું અમુક શ્વાસમાં,

ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં!

હસી રહી'તી મંઝિલો, તજી ગયો'તો કાફલો,

થઈ રહ્યો’તો રાત-દિન દિશાઓનો મુકાબલો.

ઊઠી ઊઠીને આંધીઓ તિમિર હતી પ્રસારતી,

રહી રહીને જિંદગી કોઈને હાક મારતી,

મને થતું કે કોણ એને લઇ જશે ઉજાસમાં?

ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં!

ખરી જતાં ગુલાબને હવે ઝીલીશું ખોબલે,

ઊડી જતી સુવાસને સમાવી લેશું અંતરે;

ખડા થઇ જશું વહી જતા સમયની વાટમાં,

ભરીશું હર્ષનો ગુલાલ શોકના લલાટમાં,

મને થતું કે ફેર કંઈ પડે હૃદયની પ્યાસમાં,

ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં!

વિકીર્ણ સોણલાંઓને વિવિધ રીતે સજાવશું,

ઠરી ગયેલ ઊર્મિને હૃદય-ઝૂલે ઝુલાવશુ.

હવે કદી પવિત્ર જલ ધરા ઉપર નહીં ઢળે,

નયન-સમુદ્રથી જગતને મોતીઓ નહીં મળે.

મને થતું: વસાવું સુવર્ણ ને સુવાસમાં,

ભલું થયુ, તમે મને મળી ગયાં પ્રવાસમાં

તમે રાહ ને તમે રાહબર હતાં ભલા?

તમે શું દશે દિશા? તમે તૃપ્તિ ને તૃષા?

ખરું પૂછો તો ‘આદિ’થી હતી તમારી ઝંખના,

અદીઠને અનેક વાર મેં કરી છે વંદના;

મને થતું કે છે હૃદયની આસપાસમાં,

ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : જયંત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981