madhyam - Nazms | RekhtaGujarati

અમે સાવ મધ્યમ અમે સાવ વચ્ચે

અમારાથી કાંઈ ના ઉત્તમ થવાનું,

ન રાખી શક્યા એક પણ ઊંચું સપનું

અમારા તો ઇચ્છા ને સપનાય મધ્યમ

સરેરાશ આવક સરેરાશ જાવક

સરેરાશ જીવન આ આખું જવાનું

ન ટોચે જવાશે ન ઘાટી ને જોશું

આ ચાલે છે એમજ ચલાયે જવાના

નથી નાસ્તિકોમાં અમારી ગણતરી

નથી ક્યાંય મીરાં કે નારીશની તોલે

અમારી તો શ્રદ્ધા ને શંકાય મધ્યમ

નથી મોક્ષ કાજે પ્રયત્નો થવાના

ન કોઈ બગાવત ન કોઈ સમર્થન

બહુ કાચા પોચા છે તર્કો અમારા

અમારાથી કોઈ ન ક્રાંતિ થવાની

અમારે ફકત ભીડ સાથે જવાનું

ન ગાંધી ના રસ્તે અમે ચાલી શકશું

અમારાથી લાદેન પણ ન થવાશે

અમે બન્ને ધરીઓની વચ્ચે રહીશું

અમારા જીવનમાં છે મૂલ્યોય મધ્ય

અમે સાવ મધ્યમ અમે સાવ વચ્ચે

અમારાથી કાંઈ ના ઉત્તમ થવાનું.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ