nawoDhano patr - Nazms | RekhtaGujarati

નવોઢાનો પત્ર

nawoDhano patr

યુસુફ બુકવાલા યુસુફ બુકવાલા
નવોઢાનો પત્ર
યુસુફ બુકવાલા

સખી શું શું લખું ઉત્તરમાં તુજને હું ઉભય માટે

ઉભય માટે ઉભયના સદા નિર્મળ પ્રણય માટે.

ખરેખર એમ લાગે છે કે પામી છું નવું જીવન

નવાં પુષ્પો, નવાં રંગો, નવી રંગત, નવું ઉપવન.

દિવસ ને રાત જાણે કે બધા તહેવાર લાગે છે,

વધુ ઉન્માદ છે, થોડો અહીં વહેવાર લાગે છે.

નથી ગણતી કદી હું તો અહીં આકાશના તારા,

નથી વહેતી અહીં મુજ આંખથી અશ્રુ તણી ધારા.

કદી ફૂલો નથી જોયાં અહીં કરમાઈને ખરતાં,

વિચારો દિનપ્રતિદિન મેં નથી જોયા અહીં ફરતા.

નિરાશા કોઈ દિવસ પણ અહીં થઈને નથી જાતી,

કદી મુજ આંખ ધરતીને અહીં આંસુ નથી પાતી.

જીવન જેવું હકીકતમાં હવે લાગે છે જીવનમાં,

અધુરી ઊર્મિઓ વિકસી અને વળ ખાય છે મનમાં.

છે ઇચ્છા આજ એના વિષે થોડી વાત કહી દઉં હું,

પ્રણયમાં કેમ વીતે છે અહીં દિનરાત કહી દઉં હું.

હું જ્યારે હોઉં છું તન્મય બહુ એના વિચારોમાં

વિહરતી હોઉં છું લાગે છે જાણે હું બહારોમાં

હસે છે મને જોઈ નયન નિજનાં નચાવીને

ને હું પણ જોઈ લઉં છું એમને મુજ આંખ ઢાળીને.

વધે ના કોઈ પણ રીતે હવે આગળ સમય થોભે

કદી ઇચ્છા નથી ફળતી અમારી કે ઉદય થોભે

તને મળવા હું આવું શી રીતે મૂકી મિલન એનું,

નથી હું અન્ન પણ લેતી વિના જોયે વદન એનું.

અહીં સૌનું છે મારી સાથ બહુ મમતાભર્યું વર્તન,

હું રહેવાની છું લાગે છે સદા માટે નવી દુલ્હન.

સખી ઉત્તર મળે મોડો તો રોષિત ના ગણીશ મુજને,

અગર થોડું લખું હું તો તું દોષિત ના ગણીશ મુજને.

સખી પૂરો કરું છું પત્ર હું સૌને કહી વંદન,

કરું છું પ્રાર્થના મારા સમું સૌને મળે જીવન.

સ્રોત

  • પુસ્તક : ઝુમ્મર (પૃષ્ઠ ક્રમાંક 185)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2010