jaraa thobh rajnii - Nazms | RekhtaGujarati

જરા થોભ રજની

jaraa thobh rajnii

સાલિક પોપટિયા સાલિક પોપટિયા
જરા થોભ રજની
સાલિક પોપટિયા

જરા થોભ રજની, જરા થોભ રજની,

ઘડી દૂર છે કોઈના આગમનની;

જરા થોભ રજની, જશ થોભ રજની.

હજી તેલ ખૂટ્યું નથી દીપ માંહે,

હજી વાટ ધીમે ધીમે પણ બળે છે;

બિડાયાં નથી ચેનથી નેન મારાં,

હજીયે વ્યથાથી હૃદય સળવળે છે.

નથી વેદના કંઈ મટી મારા મનની,

જરા થોભ રજની, જરા થોભ રજની.

ફીકા તોય તારા હજી છે ગગન પર,

હજી ક્યાં ડૂબ્યો છે ગગનમાં સુધાકર;

તગે છે હજી આંસુ મારા નયનમાં,

હજી છાઈ છે ગ્લાનિ વદન પર.

ઘડી ના હજી સાંપડી છે મિલનની,

જરા થોભ રજની, જરા થોભ રજની.

ઉષાના સમીરે કળીને છેડી,

હજી ફૂલ પોઢી રહ્યા છે ચમનમાં;

નથી મોર ગહેક્યા હજી કોઈ વગડે,

છવાઈ છે શાંતિ નગરના ભવનમાં.

ઉપાડી લે શ્યામ ચાદર ગહનની,

જરા થોભ રજની, જરા થોભ રજની.

ઉતાવળ નથી કોઈને આવવાની,

પછી કાં તને છે ઉતાવળ જવાની;

તરસ શું તને કંઈ નથી ચંદ્ર મુખની,

ચહું, જોઈને જા સૂરત સુહાની.

હજી પ્યાસ છીપી નથી બે નયનની,

જરા થોભ રજની, જરા થોભ રજની.

અકારણ નથી આગમન કેરી શ્રદ્ધા,

સુણું છું હું પગરવના ભણકાર પળપળ;

નજર આગમન-પંથ પર પાથરી છે,

તને શી ભલા આવી ગઈ છે ઉતાવળ?

ગણાયે છે ઘડીઓ હજી આગમનની,

જરા થોભ રજની, જરા થોભ રજની.

તડપતાં નયનથી હજી જે સરે છે,

થોડાંક આંસુની માળા વણી લઉં;

જે પગરવના ભણકાર વાગી રહ્યા છે,

ભણકારની પણ પળેપળ ગણી લઉં.

જરા વાટ જોઈ લઉં આપ્તજનની,

જરા થોભ રજની, જરા થોભ રજની.

અદેખાઈ કરતો નથી હું ઉષાની,

પ્રભાકરની સાથે અદાવત મારે;

તને વીનવું છું ફક્ત એક કારણ,

કે તારા ગમન પહેલાં કોઈ પધારે.

મને માત્ર લાગી છે લગની મિલનની,

જરા થોભ રજની, જરા થોભ રજની.

નયન વાટ જોઈને થાકી જશે મુજ,

અને તારી ધીરજ જો ખૂટી જવાની;

શરમ મારી આંખોની રાખે નહીં તું,

હૃદયની બધી આશ તૂટી જવાની.

નિશા, ઘડીને હું માનીશ પતનની,

જરા થોભ રજની, જરા થોભ રજની.

સ્રોત

  • પુસ્તક : ખંડિત સમણાં (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : સાલિક પોપટિયા
  • પ્રકાશક : પાકિસ્તાન ગુજરાતી પબ્લિશિંગ હાઉસ
  • વર્ષ : 1961