hwe mara diwas ke ratman rango nathi saheje - Nazms | RekhtaGujarati

હવે મારા દિવસ કે રાતમાં રંગો નથી સહેજે...

hwe mara diwas ke ratman rango nathi saheje

મિલિન્દ ગઢવી મિલિન્દ ગઢવી
હવે મારા દિવસ કે રાતમાં રંગો નથી સહેજે...
મિલિન્દ ગઢવી

હવે મારા દિવસ કે રાતમાં રંગો નથી સહેજે...

ઘણા સોનેરી સૂર્યોદય

ઉભયની આંખમાં મ્હોર્યા

અને વખતોવખત લીલાં કિરણની વારતા માંડી;

ખબર ન્હોતી

કે ભૂરીભઠ સવારો પર

પવનથી પણ વધારે પાતળું પડ છે,

સમયનો કાટ લાગી જાય તો

તરત ખરી જાશે બધુયે

પોપડા થઈને!

બધી બપ્પોર કંઈ પીળી નહોતી આપણી વચ્ચે,

ઘણી ગુલમ્હોર જેવી લાલ લાગેલી,

અમુક તો સાવ રાતીચોળ-

અડકો કે દઝાડી દે!

અમુક તારાં નયન જેવી

ભૂખરી

પણ રિસાયેલી.

સુંવાળી કેસરી સાંજો

હું તારા હાથમાં ચોળ્યા કર્યો કાયમ.

મને એમ હતું કે

ત્યાં વસી જાશે

એક આખું ગામ મહેંદીનું,

પછી જાણ્યું કે સાલો રંગ કાચો છે.

અધૂરી જાંબલી રાતો ઉપર

મેં ચંદ્રનો કૅન્વાસ ટાંગેલો,

અને તેં ‘હાઉક’ જેવો એક નાનો શબ્દ દોર્યો.

ગુલાબી રાત જ્યારે

વૉલ-પેન્ટિંગમાંથી પેલો મોર

શરમાઈ અને ઊડી ગયેલો...

હજુ પાછો નથી આવ્યો!

તને જો ક્યાંક સપનામાં મળે

તો એટલું કહેજે-

હવે મારાં દિવસે કે રાતમાં રંગો નથી સ્હેજે!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ડિસેમ્બર 2013 - જાન્યુઆરી 2014 (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : જન્મભૂમિ ટ્રસ્ટ