ghar - Nazms | RekhtaGujarati

આ રોજ સવારે આંગણથી આરંભાતો

ને રોજ સાંજના ત્યાં જ સમેટાઈ રહેતો:

આ મારગ. ત્યાં હું ગતિ કરું કે સ્વયમ્

કે છળી બેઉને રહે કાળ પોતે વહેતો.

હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકુ

એ કેવા છલકાતા હૈતે સામો ધસતો,

આ મલક મલક મલકાય મકાનો બેઉ તરફ,

આ પવન પલક વીંટળાય, પલક આઘો ખસતો.

આ પાલખ પર ઘૂ ઘૂ કરતાં બે પારેવાં

મુજ પદરવથી શરમાઈ ફરી વાતે વળગ્યાં;

આ પૂર્વગગનથી કિરણ કિરણની ધૂપસળી

અડકી તો રૂના પોલ સમાં વાદળ સળગ્યાં.

ઝાલી માતાનો કર જે ગગન નીરખતો'તો

મન થતું, જરા એ બાળક સંગે ગેલ કરું;

આ એકમેકથી રીસ કરી અળગા ચાલે,

બે માણસમાં એક ગીત ગાઈ મનમેળ કરું.

આ નેત્ર ઉદાસી ભરી અહીં બે વૃદ્ધ ઊભા,

હું અશ્રુ બે'ક સારી એને સાંત્વન આપું:

આ ઉન્મન ને સુંદર યુવતીની આંખોને

એ તરસે છે, તલખે છે એવું મન આપું.

આ ભીડભર્યા કોલાહલમાં નીરવ રીતે

કોઈ મિત્ર તણો હૂંફાળો કર થઈ જીવી શકું;

તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા

પરવા કોને, હું થીર રહું કે વહી શકું.

જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે

આ માર્ગ પછીની મંજિલ એ મારું ઘર છે;

ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું

આ માર્ગ પછીની મજિલ પણ મારું ઘર છે.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989