ghar ane tun - Nazms | RekhtaGujarati

ઘર અને તું

ghar ane tun

સતીષ નકાબ સતીષ નકાબ
ઘર અને તું
સતીષ નકાબ

તારા એક સાદના પડઘા પડઘા ભીંતે ભીંતે,

તારું એ દૂર રહેવું ગયું પર્વત પર્વત.

તારી એક જીદની સખ્તાઈ છે ઈંટે ઈંટે,

ભાવ ચહેરાના સ્મૃતિમાં રહ્યા વાદળ જેવા.

તારી પાંપણના ઉઘડવા સમી ઉઘડી બારી,

તુજ ભ્રમર જેમ આ વળ ખાય છે સામે રસ્તો.

તારા દિલના એ ધડકવા સમી ધ્રુજી બારી,

તારા ઉચ્છવાસ સમો આવી રહ્યો ઘરમાં પવન.

તારી મર્યાદાની યાદ આપતો ઘરનો ઉંબર.

સાવ રસ્તો જે ન રોકે છતાં અંતરાય સમો,

તારું એ ‘ના’ કહેવું યાદ અપાવે પડદો.

તારા ભીડેલા અધર જેમ ભીડેલાં છે કમાડ

જાણે ચૂપ થઈ ગઈ દુનિયા, કોઈની આવજા નહિ.

સ્રોત

  • પુસ્તક : સાનિધ્ય (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સર્જક : સતીષ ‘નકાબ’
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1988