raat thai puri - Nazms | RekhtaGujarati

અમારી રાત થઈ પૂરી

raat thai puri

નાથાલાલ દવે નાથાલાલ દવે
અમારી રાત થઈ પૂરી
નાથાલાલ દવે

રજા ત્યારે હવે, દિલબર! અમારી રાત થઈ પૂરી,
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી;
                           અમારી રાત થઈ પૂરી.

ભરાયો  જામ  રાત્રિનો  ઉપર  તરતા  હતા તારા,
ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ  આસ્માને;
તમારો કંઠ થાક્યો, ગાન  થંભ્યું,  વાત  થઈ પૂરી,
                             અમારી રાત થઈ પૂરી.

અનેરી એક રાત્રિની અમે  માગી હતી મહોબત,
સવારે તો જવાનું હા! જુઓ વાગી રહી નોબત;
અમારી  ઊપડી વણજાર,  હારો  ઊંટની ચાલી,
                           અને છેલ્લી હવે પ્યાલી-

હવે છેલ્લી ચૂમી ને ભૂલવી આ બેહિસ્તની ઝાંખી,
તમારા  પેરની  હિના,  ગુલાબી  ઓઠની   લાલી.
ભૂલી જાવી બદન કેરી  અહા!  અણમોલ  કસ્તૂરી,
અમી ખૂશ્બો, અને સુરખી તમારી  આંખની ભૂરી,
                              અમારી રાત થઈ પૂરી.

જુઓ મસ્જિદ-મિનારે એ ઝલક આફતાબની આવી;
પુકારે  બાંગ  મુલ્લાં  મસ્ત  રાગે,  વાત  થઈ   પૂરી,
                                 અમારી રાત થઈ પૂરી.

અમે જઇશું ત્યહાં, દિલબર!   નહિ સાકી, નહિ શરબત,
ન આ જુલ્ફો તણી ખૂશ્બો,  નહિ મ્હેફિલ, નહિ લિજ્જત;
અમે મિસ્કીન મુસાફર - ગાનના શોખીન - નહિ ઇજ્જત.

અમારા રાહ જુદા ને  છતાં આ દર્દ કાં થાતું?
તમારા ગાનમાં ડૂબી   જિગર મારું થયું ગાતું,
                       અને આ વાત થઈ પૂરી,

રજા ત્યારે હવે, દિલબર! અમારી રાત થઈ પૂરી.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4