sheri sheri aag - Nazms | RekhtaGujarati

શેરી શેરી આગ

sheri sheri aag

દીપક બારડોલીકર દીપક બારડોલીકર
શેરી શેરી આગ
દીપક બારડોલીકર

શેરી-શેરી આગ છે ગુજરાતમાં!

હા, કદી માહોલ મુસ્કાતો હતો

મીઠડો કલ્લોલ પડઘાતો હતો

ચૂંદડીના રંગ ફરફરતા હતા

ને હૃદયનો જામ છલકાતો હતો.

ક્યાં હવે વાત છે ગુજરાતમાં!

શેરી-શેરી આગ ચે ગુજરાતમાં!

જે હતી, એક ભાઈબંધી પણ ગઈ

મનની વાતો, દિલની યારી પણ ગઈ

ગુમ થઈ સહિયારા સાહસની મજા

ને ઝળકતી કામિયાબી પણ ગઈ.

જે હતું સુંદર, અસુંદર થૈ ગયું.

ઘોર અંધારું મુકદર થૈ ગયું

ઘાત, તાતી ઘાત છે ગુજરાતમાં!

શેરી શેરી આગ છે ગુજરાતમાં!

કોણ હાકિમ છે કોનું રાજ છે

લોહીપ્ચાસા ભેડિયાની ધાક છે

માણસાઈનો જનાઝો છે અને

હર્ષથી નાચી રહ્યો સેતાન છે

આંધળી બહેરી છે ખુરશીઓ કદાચ

વાઘવાડામાં છે બકરીઓ કદાચ

મોતનો એક રાગ છે ગુજરાતમાં!

શેરી શેરી આગ છે ગુજરાતમાં!

કોઈ તો આવે, બુઝાવે આગને

કોઈ તો આવે, ખિલાવે બાગને

કે ટહુકા નિર્ઝરે ગુજરાતમાં!

શેરી શેરી સૌ હસે ગુજરાતમાં!

સ્રોત

  • પુસ્તક : કુલ્લિયાતે દીપક (પૃષ્ઠ ક્રમાંક 263)
  • સર્જક : દીપક બારડોલીકર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2007