bijun shun joie - Nazms | RekhtaGujarati

બીજું શું જોઈએ

bijun shun joie

દીપક બારડોલીકર દીપક બારડોલીકર
બીજું શું જોઈએ
દીપક બારડોલીકર

બીજું શું જોઈએ, તને જીવન!

તારી ખાતર છે દેશ પણ છોડ્યો

મોજમસ્તીનો વેશ પણ છોડ્યો

તારી ખાતર તમસને મેં પોંખ્યું

ને સુવાસિત ઉજેશ પણ છોડ્યો

કષ્ટના પાવાગઢ ઉપાડ્યા મેં

ને જિસમ પર જખમ સજાવ્યા મેં

બીજું શું જોઈએ, તને જીવન!

ક્યાંક મગરૂર થૈને છલકાયો

વેરની આંધીઓથી ભટકાયો

ક્યાંક ડુંગરને લાત ફટકારી

તો કદી આંગણાંમાં પછડાયો

તો કદી આંગણાંમાં પછડાયો

કેવા કેવા હતા તમાશાઓ

ક્યાંક દરિયા તો ક્યાંક સહરાઓ

બીજું શું જોઈએ, તને જીવન!

દેશ? ક્યાં? કેવો? યાદ પણ ક્યાં છે

હાથમાં એનો હાથ પણ ક્યાં છે

વૃક્ષ ઊખડી ગયાં છે લીલાંછમ

શિર પે શીતલ છાંય પણ ક્યાં છે

ક્યાં છું સાબૂત હવે હું પોતે પણ

અશ્રુ હોતે તો થોડું રોતે પણ

બીજું શું જોઈએ, તને જીવન!

સ્રોત

  • પુસ્તક : કુલ્લિયાતે દીપક (પૃષ્ઠ ક્રમાંક 244)
  • સર્જક : દીપક બારડોલીકર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2007