bijun gagan - Nazms | RekhtaGujarati

વેદનાભરપૂર ચિંતાતુર મન આપો મને,

આપની આંખોનું ઘેરું સંવનન આપો મને;

જીભ પર વહેતું મહા કો સંસ્તવન આપો મને,

આપના સૌંદર્યનું હરપળ મનન આપો મને;

આપના આગારમાં કાયમ વતન આપો મને.

ઝેર આખા વિશ્વનું હું ગટગટાવું એકલો,

આંખથી સૌની વતી અશ્રુ વહાવું એકલો;

સાજ આ બ્રહ્માંડનાં સૌયે બજાવું એકલો,

બોજ આખા વિશ્વનાં દુઃખનો ઉઠાવું એકલો;

આપને ફરિયાદ કરવા જો કવન આપો મને.

આપની કાતિલ જફાના ઘાવનું ઈનામ લઈ,

ને હકીમોના સકળ ઉપચારને ત્યાગી જઈ,

દર્દથી બેહોશ થઈને હસ્તીથી આઝાદ થઈ,

હું જ પહોંચી જાઉં મારા દેહની મૈયત લઈ,

આપ જો પાલવતણું એક જ કફન આપો મને.

આજ આ નયનો રડે છે આપ વિરહે ઝારઝાર,

આજ મારું દિલ બન્યું છે આપના વિણ બેકરાર,

આજ તો હૈયે ચડે છે એ અનાદિનો કરાર;

સારી દુનિયા પર સવારે હું ખિલાવું નવબહાર;

રાતભર સાન્નિધ્યનું એક જ સપન આપો મને.

આપના જાદુની વાતો જઈ સુણાવું દર-બ-દર,

સારી મહેફિલને બનાવું અસ્મિતાથી બેખબર;

ભેદની દીવાલની ખોદી લઉં ઊંડી કબર,

મંદિરો ને મસ્જિદોનાં વીજ થઈ તોડું શિખર;

ઉડ્ડયન થઈને રહે એવું પતન આપો મને.

જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં,

મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં;

ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,

હોડી મારી લઈ જઉં હું ડૂબવા-મઝધારમાં;

આપ જો સુકાન ધરવાનું વચન આપો મને.

આંખ ઊંચા તારલાના તેજને ચૂમી રહી,

ને નજર પ્રતિબિમ્બ પાડી વિશ્વપર ઝૂમી રહી;

જ્યાં ફરે ત્યાં સરહદોની ડારતી ભૂમિ રહી,

પાંખ આ ‘શાહબાઝ’ની ગગને બધે ઘૂમી રહી;

આ ગગન ટૂંકું પડે, બીજું ગગન આપો મને.

સ્રોત

  • પુસ્તક : પાલવકિનારી (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’
  • પ્રકાશક : યશવંત દોશી
  • વર્ષ : 1960