
બચપણની શું ઉંમર સરી ગઈ,
ઘરની સઘળી વસ્તુ મરી ગઈ.
બહુ સૂના છે ઘરના ખૂણા,
શાંત ઊભા છે દ્વારના પડદા,
બંધ પડ્યાં છે મેજનાં ખાનાં,
સૂઈ રહ્યાં છે બધાં રમકડાં.
સ્વચ્છ પડેલી ભીંતો ઘરની,
લાગે જાણે વિધવા થઈ ગઈ,
બિસ્તર કેરી ચાદર જાણે,
બાળવિહોણી માતા થઈ ગઈ.
આખો દિ’ ઘર આખાને,
બસ માથે લઈને ફરતો’તો,
સઘળી વસ્તુ ઊલટી સીધી,
અમથી અમથી કરતો’તો.
પેન, લખોટી, ચાકના ટુકડા,
ખિસ્સા માંહે ભરતો’તો,
જૂનાં પત્તાં, રેલ ટિકિટને,
મમતાથી સંઘરતો’તો.
ખળખળ વહેતાં ઠંડા જળમાં, છબછબિયાં મેં કીધાં’તાં,
મારા હાથે મારાં કપડાં ભીંજવી મેં તો લીધાં’તાં,
પરીકથાના જેવા અનુભવ રોજ રોજ મેં કીધા’તા,
કોણે આવા સુંદર દિવસો બચપન માંહે દીધા’તા?
કોઈ દિવસ મેં શોધી નો’તી તોય ખુશીઓ મળતી’તી,
લાદી ઉપર સૂતો તોયે આંખો મારી ઢળતી’તી.
નાની મોટી સર્વે આશા પળમાં મારી ફળતી’તી,
મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી’તી.
સૂના થયેલા ખૂણા સામે વિહ્વળ થઈને નીરખું છું,
શાંત ઊભેલા પડદાને હું મારા ફરતે વીંટું છું,
ઘરની સર્વે ભીંતોને હું હળવેથી પંપાળું છું,
ખોવાયેલાં વર્ષોને હું મારા ઘરમાં શોધું છું.
ક્યાં ખોવાયું બચપણ મારું? ક્યાંકથી શોધી કાઢો,
મીઠાં મીઠાં સ્વપ્નાંઓની દુનિયા પછી લાવો,
મોટર, બંગલા લઈ લો મારા, લઈ લો વૈભવ પાછો,
પેન, લખોટી, ચાકના ટુકડા, મુજને પાછા આપો



સ્રોત
- પુસ્તક : ખરાં છો તમે (પૃષ્ઠ ક્રમાંક 409)
- સર્જક : કૈલાસ પંડિત
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1995