aavyo chhu faria mahefilma - Nazms | RekhtaGujarati

આવ્યો છું ફરી એ મહેફિલમાં

aavyo chhu faria mahefilma

કૈલાસ પંડિત કૈલાસ પંડિત
આવ્યો છું ફરી એ મહેફિલમાં
કૈલાસ પંડિત

અરમાન લઈને દુનિયાની, ચોખટમાં જવાને નીકળ્યો’તો,

કંઈ હુંય બનું, કંઈ હુંય કરું, કંઈ એવું થવાને નીકળ્યો’તો.

એક ફૂલ હતો એક ફૂલ સમો, ખુશ્બૂનો ફુવારો ઊડતો’તો,

કોઈ વાતમાં અમથો હસતો’તો, કોઈ વાતમાં અમથો રડતો’તો,

ખોટું તો ઘડીમાં લાગી જતું, છોભીલો ઘડીમાં પડતો’તો,

દુનિયાની સરાણે, રીતે જીવનની ઇમારત ઘડતો’તો,

ભાંગેલા જિગરને પૂછું છું, જીવવાને શાને નીકળ્યો’તો?

અપમાન સહન કરવાની એક આત શી પડી ગઈ’તી મુજને,

નિષ્ફળતા, નિરાશા, રોજિંદી બાબત શી બની ગઈ’તી મુજને,

મયખાને જઈને શું કરવું? તૃષ્ણા મરી ગઈ’તી મુજને,

લાગ્યું’તું મરણ તો મળશે પણ, આશ ઠગી ગઈ’તી મુજને,

કઈ રાહ હતી? કઈ રાહ મળી? કઈ રાહ જવાને નીકળ્યો’તો?

દિલવાળા સાથે દુનિયાને કોઈ યોગ નથી, સંયોગ નથી,

આંસુને વહાવી શું કરવું? રડવાનો કોઈ ઉપયોગ નથી,

મજબૂર થઈને હસવું કંઈ શોખ નથી, ઉપભોગ નથી.

જીવવું તો પડે છે, કારણ કે મૃત્યુના કોઈ સંજોગ નથી,

આવ્યો છું ફરી મહેફિલમાં, જે છોડી જવાને નીકળ્યો’તો.

સ્રોત

  • પુસ્તક : ઝુમ્મર (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2010