andhli dikri - Nazms | RekhtaGujarati

આંધળી દીકરી

andhli dikri

આસિમ રાંદેરી આસિમ રાંદેરી
આંધળી દીકરી
આસિમ રાંદેરી

તે ચમક તારાને અર્પી, ચાંદને દીધો પ્રકાશ,

સૂર્યને પણ તેજ દેવામાં, તે રાખી કચાશ!

કોણ છે સૃષ્ટિ મહીં, તુજ નૂર-વૃષ્ટિથી નિરાશ?

પ્રભુ! મુજને છતાં એની નથી ઈર્ષ્યા કે આશ!

એક ઇચ્છા છે કે મારી માનું મુખડું જોઈ લઉં! પ

લોક કે' છે કે ઘણાં રંગોથી છે દુનિયા ભરી,

લાલ, પીળો, વાદળી, લીલો, ગુલાબી, કેસરી!

આંખવાળા કાજ, એને ‘અમૃત’ ભલે હો અવતરી

મુજને જોવા, પ્રભુ! ઇચ્છા નથી મનમાં જરી!!

એક ઇચ્છા છે કે મારી માનું મુખડું જોઈ લઉં! ૧૦

સાંભળું છું, બાગમાં ફૂલો ખીલે છે બેશુમાર,

ધુવે છે, ઝાકળનાં બિન્દુ કળીએ-મુખ પ્રત્યેક સવાર;

કે'છે સખી, બાગમાં લૂટે છે શ્રાવણની બહાર;

હું નથી કહેતી, ‘એ સૌ નિરખુ’!' મુજ પરવરદિગાર!

એક ઇચ્છા છે કે, મારી માનું મુખડું જોઈ લઉં! ૧પ

કોણ છે, મમતાથી મુજ સેવા કરી, જીવે છે જે?

શ્વાસ ઠંડા, ઠંડા મુજ ગમમાં ભરી, જીવે છે જે!

પ્રભુ! મુજમાં કંઈક આશા ધરી, જીવે છે જે!

હે! મને જિવાડવા, પોતે મરી, જીવે છે જે!

એક ઇચ્છા છે મારી માનું મુખડું જોઈ લઉં! ર૦

કેવી છે મા, અને મામાં શું એવું હશે?

જેના કદમોમાં છે. જન્નત, તેનું મુખ કેવું હશે!

પ્રભુ લોકો કહે છે, શું બધું તેવું હશે ?

તો પછી મુખ ખરેખર નિરખવા જેવું હશે!

એક ઇચ્છા છે મારી માનું મુખડું જોઈ લઉ! રપ

મારી આંખોને લગારે નૂરની પરવા નથી,

આંધળાપણનું, જરાયે દિલમાં દુ:ખ મારે નથી;

જોવાવાળી આંખની ઈર્ષા નથી, ઇચ્છા નથી;

તુજને પણ જોવાની ઇચ્છા, ઓ, પ્રભુ! હા, હા, નથી;

એક ઇચ્છા છે કે મારી માનું મુખડું જોઈ લઉં! ૩૦

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : સ્નેહરશ્મિ, ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1941