ફૈઝ અહમદ 'ફૈઝ'
Faiz Ahmad 'Faiz'
નિશાએ ડંખેલાં કિરણોનો મેલો મેલો પ્રકાશ
પ્રતીક્ષા જેની હતી એ તો આ સવાર નથી
આ પ્રાત:કાળ નથી એ કે સ્વપ્ન લઈ જેનું
ફળી જવાની અપેક્ષાએ મિત્રો નીકળ્યા'તાં
આ નભના વનમાં પડાવ આખરી ઉડુગણનો
આ મંદ રાતની લહેરોનો કાંઠો ક્યાંક હશે
જઈને ક્યાંક તો લાંગરશે દિલના ગમનું વહાણ
યુવાનરક્તના હિલ્લોળતા આ દરિયા પાર
નીકળ્યાં મિત્રો તો ખેચાયાં એમના પાલવ
અધીર રાત્રિનિવાસો છે એ બજારોમાં
ઇશારા પડખાંના, સંકેત દેહના તે છતાં
બસ એક ધૂન હતી 'જોવો સવારનો ચહેરો'
બહુ નિકટ હતો પાલવ પ્રકાશ-દેવીનો
નહતો થાક, હતાં ઇચ્છાઓના ઝબકારા
એ સાંભળ્યું છે કે છૂટાં પડ્યાં છે રાત-દિવસ
એ સાંભળ્યું છે કે મંજિલ મળી પ્રવાસીને
પીડિત પ્રજાની દશા જે હતી નથી એ રહી
હલાલ સુખ છે મિલનનું, ને વિરહ-પીડા હરામ
જિગરનો અગ્નિ, નજરનો ઉમંગ, દિલની અગન
અસર ક્યાં વિરહની પીડાઓના નિવારણની?
પ્રિયા સવારની ક્યારે પધારી, ક્યારે ગઈ?
પડી છે ક્યાં હજી રસ્તાના દીપકોને ખબર
હતાશા રાતની ઓછી હજી થઈ ક્યાં છે?
મળી હૃદય અને આંખોને ક્યાં છે આઝાદી?
ચલો, ચલો કે એ મંજિલ હજી નથી આવી.
(અનુ. શકીલ કાદરી)
સ્રોત
- પુસ્તક : અનુવાદક તરફથી મળેલી કૃતિ
