muktko - Muktak | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મુક્તકો

muktko

દલપતરામ દલપતરામ
મુક્તકો
દલપતરામ

થોડા જનો ઠગાય પણ, પ્રસિદ્ધ જ્યાં તે થાય;

લક્કડના લાડુ પછી, કોઈ લેવા જાય.

તુજ ઘર પાણી પડે, પરઠવ ત્યાં પરનાળ;

નભ સઘળું ઢંકાય નહિ, તું તારું સંભાળ.

મન ઢોંગી મન ધૂર્ત છે, મન મેગળ મસ્તાન;

મન સુધરે તો મિત્ર છે, નહિ તો શત્રુ સમાન.

ઘટમાં જે ઘૂંટાય, છાનું છેક રહે નહિ;

બે બાંકે દેખાય, કીધાં ઢાંકણ કાચનાં.

નિર્મળ જનને ક્યમ કરી, ગુપ્ત ભેદ કહેવાય

કમાડ જેના કાચના ગુપ્ત ચીજ રખાય

મરતાં સુધી મટે નહીં, પડી ટેવ પ્રખ્યાત;

ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાત.

જે જેને મન સહિ રહ્યું, તે તેને સુખરૂપઃ

મગરને સાગર ગમે, કચ્છપને મન કૂપ.

પ્રથમ પડાવી પુષ્પને, છેવટે છાંટે છાર;

ધમ્યું કનક ધૂળે ધરે, પણ એક ગમાર.

શિલા સુધારણ કાજ, સલાટ ટાંકે ટાંકણે;

ટુકડા થાય તમામ, સલાટ તેને શું કરે?

સદા સોયનું સોયથી કામ થાય,

કૃપાણે કહો કે કરી શું શકાય ?

ખીલો ખુદ ધાતુ તણો, અતિ બરડ દેખાય;

જંતરડામાં નીકળે, તેમ નમ્ર તે થાય.

સત્ય સાચવે તેહને, ખળ જન શું કરનાર;

કેમ શ્વાન કરડી શકે, જે ગજ શિર અસ્વાર,

સજ્જન સમ ગણી સેવતાં, દુર્જન સુજન થાય

એરંડે રસ નવ ચઢે, શેલડી સંગ સિંચાય.

મૂરખ જીવ જતાં લગી છોડે નહિ છંછેડ;

મંકોડો મૂકે નહિ બચકું તૂટે કેડ.

મગજ જેહનું પવનવશ, તેનો શો વિશ્વાસ?

પવન કદિ વૃષ્ટિ કરે, કદી વૃષ્ટિનો નાશ.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008