aath tripdi - Muktak | RekhtaGujarati

આઠ ત્રિપદી

aath tripdi

હેમેન શાહ હેમેન શાહ
આઠ ત્રિપદી
હેમેન શાહ

વૃક્ષને તાજા પવનનો કેફ છે,

પથ્થરો પર કંઈ અસર થાતી નથી

ઋતુના ચક્રથી વાકેફ છે.

વ્યસ્ત બહુ લાગે છે આજે વાયરા,

મોગરો, ચંપો, જૂઈ પાસે લીધા

કેટલાં ફોરમ તણાં સંપેતરાં.

બેસતાં ગભરાય સંભવ નથી,

પીઠ હો ભેંસની કે સિંહની,

દેવચકલીને કશી અવઢવ નથી.

વેશભૂષાથી કદી પરખાય છે?

સમય ચાલાક છે બહુરૂપિયો.

ક્યાંક સાબર, ક્યાંક ગોકળગાય છે.

ડેલી કાળી હતી, ઊંચી હતી,

રત્નમંડિત ભવ્ય દરવાજો હતો,

ને ઉષાની સોનેરી કૂંચી હતી.

વહીવટ બધો કોણ નક્કી કરે?

ક્યું પાન ખરશે? કયું બી ફળે?

ક્યો છોડ ક્યારે તરક્કી કરે?

જીવન અલ્પ ને લાગે પામર ભલે,

રહે ઘાસ હંમેશ આનંદમાં,

બધી કોર વૃક્ષો કદાવર ભલે.

કાલ મળશે પડેલો શેરીમાં,

એની ચિંતા કર્યા વગર હમણાં

ચાંદ ઝૂલે છે નાળિયેરીમાં.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 438)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004