mumbi - Mukta Padya | RekhtaGujarati

જંગી વૃક્ષને ઢાંકી

ઊછળતા અબ્ધિને કરવત સમી કાયા નીચે ચાંપી

છટકવા ક્યાંક મથતા આભને આંબી

પકડમાં ગોઠવીને

તીક્ષ્ણ ઝેરી શ્વાસનો ભરડો લઈ

વિકરાળ પખી

એક

ઊભુ અહીં,

તોતિંગ આંખો, દીર્ઘ તીણા ન્હોર, વહ્નિઝાળ જેવી

દૃષ્ટિથી લેતું લપટમાં, ખડ્ગ જેવા પાય અડકાડી

ઊભું અહીં

એક

વિકરાળ પંખી ક્રોધથી ફૂલવી ગળું,

એનાં

સુંવાળાં રંગબેરંગી પીછાંના પ્હાડ બરછટ, હાંફતો સેતાન ગણતા.

કિન્તુ

ક્યારેક

નાખી ભૂખથી ઝાંવાં શિકારો શોધતું પંખી

અચાનક ચીસ પાડી પાંખ વીંઝી

ઊડશે ત્યારે....

સ્રોત

  • પુસ્તક : ઉદ્ગાર (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : નલિન રાવળ
  • પ્રકાશક : રવાણી પ્રકાશન ગૃહ
  • વર્ષ : 1962