shishirni raat-1 (vaardhakynii najare) - Mukta Padya | RekhtaGujarati

શિશિરની રાત-૧ (વાર્ધક્યની નજરે)

shishirni raat-1 (vaardhakynii najare)

ફકીરમહંમદ મનસુરી ફકીરમહંમદ મનસુરી
શિશિરની રાત-૧ (વાર્ધક્યની નજરે)
ફકીરમહંમદ મનસુરી

શિશિરની રાત,

રકત પણ થીજી ગયું (ના હોય પક્ષાઘાત!)

થરથર થતા પ્રત્યંગમાં કળતર કશી!

ને આગની ઠંડી અરે બળતર કશી!

દેહ પર ઉપસી નસોની ને રૂંવાની ભાત,

ના જીરવાયે શિશિરની રાત.

ટક્ ટક્ થતી

(કુભારજાની કો સતત લવરી સમી)

ઘડિયાળ જાણે હાંફતી

થાકી જતી ડગ એક કેમે માંડતી!

ને ગોદડીમાં ટૂંટિયું વાળી

વીંટેલા દેહને

(હૂંફમાં પડખે પડ્યું છે શબ

વીતેલા રંગભર આયુષ્યનું)

ના નિંદ કે ના જાગૃતિ,

ના સ્વપ્નની કો ઝંકૃતિ.

એની પ્રલયચકકી મહીં-

જેહનો ઘર્ઘર ધ્વનિ

સંભળાય છે સુસવાટમાં-

અહ, ઓરતી ગાત!

શિશિરની રાત.

સ્રોત

  • પુસ્તક : ઈજન (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સર્જક : ફકીર મહંમદ મનસુરી
  • પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1968