wriddha - Mukta Padya | RekhtaGujarati

સરિયામ રસ્તા પર

જીરણ મસ્જિદ કેરી ભીંતનો ટેકો લઈ

બેઠેલ વૃદ્ધા.

ગોદડી-ગાભા થકી દૂર થતા કૈં વાળ પીળા,

ને સદાયે ધ્રુજતા બે હાથ

છે અસ્તિત્વના કેવળ પુરાવા.

હા, નજીક જાતાં

હવામાં મ્હાલતી મળતી બજર,

ફૂટપાથ પરનાં વીણવા પગલાં

રખડતી, વૃદ્ધ, અટવાતી નજર.

ના હાથ લાંબો થાય,

સુક્કી શીંગ શી ગંઠાયેલી બે આંગળીથી

માંડ ઝાલી સોય,

ના દોરોય લાંબો હોય,

—ખાલી થયેલા રીલ પરના આખરી આંટા સમા

એના અધૂરા આયખાશો સાવ ટૂંકો -

હાથમાં આવી રહ્યો છેડો

છતાં (મૂકે કેડો!)

તે સતત સીવ્યા કરે,

દરરોજ એની

એની ચીંથરા જેવી જૂની ચાદર.

હજીયે, ધ્રૂજતે હાથેય,

જાણે દઈ રહી ટાંકા વખતસર!

આવડા આભના ઓઢા નીચેયે

શી કફનની કરકસર!

સ્રોત

  • પુસ્તક : નન્દિતા (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : વિનોદ અધ્વર્યું
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1960