Veran - Mukta Padya | RekhtaGujarati

બાર વરસને અંતે જોયું ગામ

—અને નવું પડ્યું છે નામ!

આંગણામાં ઊભેલો વગડો

ઊગમણી પા ટેકરીઓની સોડે

પાછે પગલે દોડે;

દોડે સાથે કલરવમાળા,

સૂરજિયા અંધારા સાથે પડછાયા પગપાળા;

ધુંગામાં સૂતાંતાં તે સૌ શિયાળ ક્યાં છે!

ક્યાં છે પેલા સાપલિસોટા ચટાપટાળા!

રાનબિલાડાના ડોળામાં ફરતાં તેજકુંડાળાં ક્યાં છે!

રેતકાંકરા પાછળ મૂકી વહી ગયા રે વ્હેળા;

છંછેડેલા મધપૂડાની

લાખ લાખ માખોના ક્યાં રે

કોલાહલમેળા!

કઠિયારાની કુહાડીના ટચકા કાને પડે

કડડડ કરતાં વૃક્ષ સામટાં પડે

ખરખર મારાં ખરી રહ્યાં છે પાન;

ખરખર ખરી રહ્યાં છે ગાન;

હર્યુંભર્યું (હું) રાન

હવે વેરાન!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1977 (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ