ungh - Mukta Padya | RekhtaGujarati

ઉંઘ મારી આંખમાંથી નીકળીને દોડતી જતી રહી છે કઈ તરફ?

ના કોઈ પણ દિશા હવે કહી શકે છે ભેદ કે દ્રશ્ય તરલ સમયના અંશનો પ્રકાર છે, કે છે બરફ?

ગૂઢ કોઈ રંગના વલય ઉપર સવાર થઈને દોડતી ઉંઘ એક પ્હાડની ગુફાઓમાં સરી પડે,

કે પ્હાડ પરથી દોડતી વાદળાની આરપાર વીજળી બની ગુમાનમાં ઉડેલ કોઈ પાંખને નડે!

દૂરથી ઉઘાડ-બંધ થાય એક દ્વાર... કે જે...

છે? નથી? નથી! કે છે?નો પ્રશ્ન લઈને થાય ગુમ!

ને ઉંઘ એજ બારણાની પાર જઇને...

સ્વપ્ન ફાડે,

સ્વપ્ન ચીરે,

સ્વપ્ન ખાય!

સ્વપ્ન થૂંકે

સ્વપ્ન ઓકે!

ઉંઘ લડતી ઉંઘ સાથે,

ઉંઘ ચાલે ઉંઘ માથે,

ઉંઘ ઉંઘ ઉંઘ ઉંઘ

ઉંઘ ઉંઘ ઉંઘ,

ક્યાં ગઈ?

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ