udweg - Mukta Padya | RekhtaGujarati

પશ્ચિમે

પશ્ચિમે દૂર

ધૃતરાષ્ટ્રની આંખો સમો અંધાર

ડગલું માંડતાં અથડાય છે.

પશ્ચિમે

દૂર ખૂણામાં

રગડતો સૂર્ય ઊના લોહીનો ગોળો

ધીરે કાળો પડી ઠીંગરાય છે.

હું ફરું

કો વૃદ્ધ રખડૂ છેક ખોડા ગીધના જેવો

ગળામાં બોબડા બબડાટને ઘેરો વગાડી

અહીં ઠરડાયલી બેડોળ કાળી પૂતના જેવી પડી નગરી મહીં.

હું ઊંડું

(સુક્કી હવાનો એક ધક્કો પાંખને અડતાં)

ઊંચે

(આ વ્હાલસોયી પૂતનાથી દૂર)

ત્યાં કોઈ મરેલી ગાયના જેવી કીકી ધોળાશથી ઊભરાઈ જતા

આકાશમાં.

સ્રોત

  • પુસ્તક : ઉદ્ગાર (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : નલિન રાવળ
  • પ્રકાશક : રવાણી પ્રકાશન ગૃહ
  • વર્ષ : 1962