thes - Mukta Padya | RekhtaGujarati

ઠેસ વાગતાં આજ તને સંભારું રે, મા!

સંભારું,

હું સ્હેજ હલ્યો તહીં

પંચમમાસી પેટ ઉપર ફરતી આંગળીઓ તારી

રે, મા!

આજ-

આજ અમારી રિક્ત સપાટી પર ઠલવાતાં

ખડક–ઠેસનાં શકટ સામટાં....

ધૂળમાં ગોઠણભેર પડયો છું આજ-

કે મારી માને ક્હેજો રે

હું ધાવણની ઝંખાને કાંધે વહી જતો વણઝારો

મારો જીવદાટે મૂંઝારો, ગોઠણભેર ધૂળમાં

મૂંઝારો તે કેવો, જાણે જીવ નર્યો પરસેવો

ઓ, મા!

પર્વતના તોતિંગ ફાડવા શઢ

મોકલ્યાં કોણે અમને?

સપનાના તોતિંગ તોડવા ગઢ

મોકલ્યાં કોણે અમને?

કોણે અમને લગભગતાથી સાંધ્યાં?

અમને અટકળતાથી બાંધ્યાં?

કોણે મારી હથેળીઓમાં વીરડા ગાળ્યા?

ઓશિકા પર રણથી કોણે ચરણ પખાળ્યા?

કોણે રે આંખોમાં બારેમાસ વરસતાં

ચોમાસાનાં દીધાં અમને દાન?

હે કોણ? જઇ ને કોને કહું કે

મારી માને ક્હેજો રે

હું ચાંચ મરેલા પોપટની છું

રજકણ તારી ખેપટની છું

સૂક્કો આંબો, સૂકી આંખો,

સૂક્કું છે ઝળઝળિયું રે, મા!

સાંજ પડયે મારા વિનાનું

હું તો તારું ફળિયું રે, મા!

આજ તને સંભારું

લગરીક રેવાજીને પાર નીકળતાં જોઈ

ખડક શા મનમાંથી—

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983