કવિતા ભીતરથી પ્રગટી છે કે પછી?!
kavita bhiitarthii pragtii chhe ke pachhi?!


આવળ ઝૂડો
બાવળ ઝૂડો
બોરડીઓના મારગ ઝૂડો
સેરસપાટો કરતાં કરતાં
ફર ફર ઝૂડો
થર થર ઝૂડો
મર..મર.. ઝૂડો
ઝૂડી ઝૂડીને છેવટ તો બસ ઝાપટ ઝૂડો
વધુ વધુ તો વંઠેલા કોઈ વાવડ ઝૂડો
એમ નરી આ ઝૂડાઝૂડી શબ્દોની કૈં
તાંસળીએ તલભાર પડ્યું ના તાવડીએ કૈં
તોય માનતા ફાંટ ભરીને
ગાંસડીએ કૈં બાંધી લીધું આભ ભરીને
આભે આભે અટક્યાનું ઓસાણ નથી કૈં
હળવે હાથે ઝાકળિયાનું નેવું ઝાલી
નેવે નેવે ધાર થયાની જાણ નથી કૈં
ધારે ધારે પલળ્યાનું પરમાણ નથી કૈં
તોય લબાલબ પરમાણો કે પરમાણ્યું છે!
કરી કવિતા કાળજ પાડ્યું કાણું છે!!
કાણે કાણે મૂકી કોડિયાં વાટ કોઈ પુરાણી
ક્યાં છે?
વાટ ઉપર ઝબકારે જીવતર-ધૂણી ક્યાં છે?
ધૂણો ધબૂકે
નાદ રણૂકે
નાદ ચડ્યો ધબકાર તડૂકે
આખ્ખેઆખી જાત લબૂકે
એવું કોઈ દિ' આવી પૂગ્યું ટાણું ક્યાં છે?
તોય ધડાધડ પરમાણો કે પરમાણ્યું છે!
કરી કવિતા કાળજ પાડ્યું કાણું છે!!
કાળજ કાળજ ગાતાં ગાતાં કાળા થૈને
ભરઉનાળે ટેકભર્યા હેમાળા થૈને
સિસકારાની રાખો ના કૈં સાડાબારી
હળવે અક્ષર હાલ્યા કરતી હોકાબારી
હોકે હોકે ઘૂંટ અમલના
જોયા કરીએ તાલ સકલના
તડ તડ તડ તડ તડ તડ તડ તડ ત્રમકે તણખા
રેઢાં મેલી બહારભીતરના માનઅભરખા
ઘેરાતી રેલાતી ફૂંકે ગાયું કોઈ દિ' ગાણું ક્યાં છે?
કાળજનું ભરપૂર હજુ તરભાણું ક્યાં છે?
તોય સટાસટ પરમાણો કે પરમાણ્યું છે!
કરી કવિતા કાળજ પાડ્યું કાણું છે!
તરભાણે તાંદુલ નથી કે તોફાનો કૈં
મ્હોરા વિના ક્યાં જોયો છે ચ્હેરો પણ પોતાનો કૈં?
ઠાલે ઠાલાં શબ્દોના કરતૂત કથોલાં
ખાય અહીંથી સામે કાંઠે જૂઠાં ઝોલાં
ઝોલેથી અસવાર કૂદીને
તડાક કરતો તાર છૂંદીને
તારે તારે રસની સૌ રસલ્હાણ ગૂંદીને
કહોવાયેલો
રઘવાયેલો
ટૂંપાયેલો
ટીપે ટીપે ટપક્યાં કરતી તરસ્યાઓની તાણ ખૂંદીને
તાણે તાણે ખેલાતું ધીંગાણું ક્યાં છે?
તોય ફટાફટ પરમાણો કે પરમાણ્યું છે!
કરી કવિતા કાળજ પાડ્યું કાણું છે!!
ધીંગાણે હોમાય હઠીલી હડિયાપાટી
લોહી સોંસરી થાય શબદની આટાપાટી
પાટેથી પરખાય ચીલાના ચાતરનારા
વંટોળે પણ ગાય અગનને જોતરનારા
આગ ઓલવો
ઝાળ ઓલવો
ઝાળોના લસકાર ઓલવો
રૂંવે રૂંવે રાગ ઓલવો
એ પછી પણ ભીતર ભડભડ બળતું રહેતું છાણું
ક્યાં છે?
તોય ધડાધડ પરમાણો કે પરમાણ્યું છે!
કરી કવિતા કાળજ પાડ્યું કાણું છે!!
કરી કવિતા કાળજ પાડ્યું કાણું છે?
કે શબ્દોની હાટડીએ બાંધ્યું થાણું છે??
કે નેવુંની પહેલાં તમે લખ્યા નવ્વાણું છે???
કે પરબારે તૈયાર થયેલું ભાણું છે????
કરી કવિતા કાળજ પાડ્યું કાણું છે?
કે વિધવાબાઈએ જાણે આણ્યું આણું છે?????



સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : ફેબ્રુઆરી ૨૦૧૯ (પૃષ્ઠ ક્રમાંક 22)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન