Tajmahal - Mukta Padya | RekhtaGujarati

તાજ તારે મન હશે એક પ્રેમચિહ્ન

સોહામણા રણ પ્રતિ તારે ઉરે મમતા હશે :

પણ પ્રિયે, નહીં પણ અન્ય સ્થાને આવજે મળવા મને.

શાહની મહેફિલ, અકિંચનને કશો આદર અહીં?

શાહી દમામોથી થયા અંકિત પથે

પ્રેમથી ભરપૂર હૈયાં કઈ રીતે વિહરી શકે!

હે પ્રિયે,

વિશ્વાસના પડદા પછાડી બાદશાહી અહમ્ જોયો હતે!

બેજાન શાહોની કબર જોઈ બહકનારી, સખી!

આપણા વસવાટનાં ખંડેર તો જોયાં હતે!

વિશ્વમાં કંઈ કેટલાંએ પ્રેમ કીધો :

મહીં સચ્ચાઈ નહોતી કોણ કહેશે?

પણ હતાં મુફલિસ

પ્રદર્શન કાજ ક્યાંથી તાજ સરજી શકે?

ઇમારત, મકબરો, દીવાલો,

સત્તાતણા લોલૂપ શાહોની મુરાદો પોષનારા સ્તંભ ખાલી.

જખ્મ રૂપે વિશ્વના હૈયે રહ્યા છે વહી.

પાયા મહીં એના રૂધિર છે આપણા પિતૃતણું.

જેમના કૌશલ્યનો છે નમૂનો

એમણે પણ પ્રેમ તો કીધો હશે?

એમનાં પ્યારાં તણી ક્યાં છે નિશાની?

કબર પર શું કદી એક દીપ

પણ સળગ્યો હશે?

સોહામણું ઉપવન અને જમના કિનારો :

ને બહુરંગી ઠઠારાથી ઊભેલો મહલ :

સંપત્તિનો લઈને સહારો

એક શાહે આદરી

આપણી જેવા ગરીબોની મહોબ્બતની મજાક.

નહીં,

પણ અન્ય સ્થાને,

હે પ્રિયે, મળજે મને.

(અનુ. હરીન્દ્ર દવે)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ